અપ્રતિમ.
જોરદાર.
જબરજસ્ત.
- હેલ્લારો જોતાં જોતાં આવું વારે વારે કહેવું પડે.
કહેવાતા નિયમો ને આધીન સ્ત્રી જીવનની સરળ, સચોટ અને વેધક રજૂઆત.
માણસની એક જાતિનું કામ નિયમો ઘડવાનું અને બીજીનું કામ એ નિયમો પાળવાનું. ના કારણ પૂછવાની સત્તા કે ના છૂટ લેવાનો અવકાશ.
'બાઇમાણસ' હોવાની કેટલી મોટી કીંમત ચૂકવવાની?
કે બાઇને માણસ જ નઈ ગણવાની?
આમાં એક બંડખોર મન ઉમેરાય અને સાવ અકસ્માતે એક મોકો મળે: સ્ત્રી હોવાની અભિવ્યક્તિનો, ખુલીને ખુશ થવાનો, ગરબા રમવાનો.
કચ્છના રણમાં ગરબા લેતા એમના ચહેરા પરનો આનંદ, કે ગામ વચ્ચે બેખોફ રમતા ચહેરા પરના આક્રોશ, વ્યથા અને બળવો - જાણે જગદંબાનાં જ રુપ.
ફિલ્મમાં કયાંય કોઇ કચાશ જ નઇ.
એક જ ફિલ્મનાં આટલા બધા ડાયલોગ્સ સોંસરવા ઉતરી જાય?
મારો ફેવરેટ: બધા પાપની સજા ના મળે, જો મળતી હોત તો જગતમાં આટલા બધા ભાયડા (પુરુષો) બચ્યા જ ના હોત.
અને Lyrics તો જાણે metaphors નો દરીયો. એમના ઊંડાણ સમજવા અને માણવા માટે તો એ ગીતો અલગથી સાંભળવા પડશે.
અંગ્રેજી ડાર્ક વેબસીરીઝ, બીલો ધ બેલ્ટ સ્ટેન્ડ અપ કોમેડીઝ અને માઇન્ડલેસ બોલીવુડ મુવીઝના જમાનામાં ગુજરાતીઓને એમના અંતર સાથે ઓળખ કરાવતી, સર્જનાત્મકતાના બેજોડ નમૂના જેવી આ અદ્ભુત ફિલ્મ વહેલી તકે જોઇ આવો.
- અંતરીક્ષ