#હેલ્લારો #Hellaro
ખાઈ પીને ન્હાઈને કવિતા નથી બનતી, એ દોસ્ત!
લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઈએ.
- Mukul Choksi
---------------------------------
લોહીના રીતસરના ફુવારા ઉડે ત્યારે? 'હેલ્લારો' લખાય. તૅની પટકથા લખાય. સંવાદ લખાય. કવિતા તો તોય એકજ વ્યકતી લખે જેણે ખુદના વિચારોનું અને શબ્દોનું સંયોજન કરવાનું હોય જ્યારે ફિલ્મમાં આખી સેના લાગે છે. હેલ્લારો પ્રકારની ફિલ્મ ત્યારેજ બને જ્યારે એકે એક સિપાહીની નસ ઉભરીને ફાટવાની રાહ જોતી હોય અને સેનાપતિની ફરજ નિભાવતા એવા દિગ્દર્શક સૌને દીશા પણ બતાવે અને ચિંગારી પણ પુરી પાડે. ફિલ્મને જો કવિતા કહેવી હોય તો આ એવી કવિતા છે જે એક કરતા વધારે લોકોના હાથથી વીંટળાયેલ કલમ દ્વારા લખાય છે. બધા હાથ એકબીજાનું માન રાખી, ખુદની ફરજ નિભાવી મુખ્ય હેતુ તરફ આગળ વધે તો કવિતા લખાય. જો હેતુ કરતા હાથ મોટો થઈ જાય તો કવિતાને બદલે માત્ર લીટાડા થાય. અસરકારક ફ્રેમ બનવાને બદલે માત્ર વિડીયોક્લિપસની ઢગલાબાજી થઈને રહી જાય. 'હેલ્લારો' એ તન,મન,ધનથી લખાયેલી કવિતા છે. એવી કવિતા જેનો મુદ્દો વર્ષો જૂનો છે પણ રીત નવી છે. કેટલીય સદીઓથી રીબાતી અને પીસાતી વ્યક્તિઓની વાત છે. એક દબાયેલાને શું જોઇએ? કોઈ તેને દોઝખમાંથી બહાર કાઢે અથવા તો બહાર નીકળવાની પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે હિંમત આપે. આ ન થઈ શકે તો માત્ર તેની વાતને સાંભળે, કાન આપી ખભો બને. કવિતા,વાર્તા, ફિલ્મો અને બીજી કેટલીય કળાઓ વર્ષોથી લોકોની વાચા અને ખભો બનતા જ આવ્યા છે. હેલ્લારો એમાં એક ઉમેરો છે. આજેજ ટિકિટ બુક કરો અને જોઈ આવો.